ડાંગના બરમ્યાવડ ગામે પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકે ગુરુની ગરીમાને કલંકિત કર્યાની ઘટના પ્રકાશમાં આવી

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગના બરમ્યાવડ ગામે પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકે ગુરુની ગરીમાને કલંકિત કર્યાની ઘટના પ્રકાશમાં આવી
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા : હવસખોર શિક્ષક સામે પગલાં ભરવામાં નહીં આવે તો શાળાને તાળાબંધી કરવાની ગામલોકોની ચીમકી ઉચ્ચારી છે.
ડાંગ જિલ્લામાં શિક્ષણ જગતમાં ગુરુ દેવો ભવને વિકૃત માનસિકતા ધરાવતા શિક્ષકે શર્મનાક હરકત કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ડાંગ જિલ્લામાં બરમ્યાવડ પ્રાથમિક શાળાનો મુખ્ય શિક્ષક દારૂનો નશો કરીને શાળાએ આવતો હોવાથી ગ્રામજનોએ હોબાળો મચાવ્યો છે. ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારતા જિલ્લાની શિક્ષણ વિભાગની ટીમ સહિત પોલીસ દોડતી થઈ ગઈ હતી.
બરમ્યાવડ ગામનાં ગ્રામજનોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી જણાવ્યુ હતુ કે, બરમ્યાવડ પ્રાથમિક શાળાનો મુખ્ય શિક્ષક મધુભાઈ રાઠોડ અવારનવાર દારૂનો નશો કરીને શાળાએ આવે છે. તેમજ ગામની સ્ત્રીઓ સાથે પણ ગેરવર્તણુક કરે છે. તે શાળાના સમય દરમિયાન આંકડાનો સટ્ટો પણ રમે છે. વધુમાં બરમ્યાવડ ગામમાં ધોરણ ૧થી ૭ની હોસ્ટેલમાં ભણતી દીકરીઓની પણ મુખ્ય શિક્ષક દ્વારા છેડતી કરવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે. બરમ્યાવડ ગામની પ્રાથમિક શાળામાં ડાંગ પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી જીગ્નેશભાઈ ત્રિવેદીનાં માર્ગદર્શન હેઠળ આહવા તાલુકા કેળવણી નિરક્ષકની ટીમે પહોંચી ગ્રામજનોનું નિવેદન નોંધ્યું છે.
બરમ્યાવડ કન્યા છાત્રાલયની સગીર વિદ્યાર્થિની સાથે પણ જાતીય સતામણી કરી હોવાનો વાલી દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે.
બરમ્યાવડ ગામમાં ધોરણ ૧ થી ૮ માટે અનાથ બાળકીઓ અને ગરીબ બાળકીઓ માટે સુરતના દાતાઓએ અદ્યતન હોસ્ટેલ બનાવી છે. આ હોસ્ટેલમાં મોટી સંખ્યામાં ધોરણ ૧થી ૮ની કન્યાઓ રહીને પ્રાથમિક શાળા બરમ્યાવડ ખાતે અભ્યાસનાં અર્થે જાય છે. આ હોસ્ટેલનું સંચાલન પણ બરમ્યાવડ શાળાનાં મુખ્ય શિક્ષક મધુભાઈ રાઠોડ જ કરી રહ્યા હતા. તેવામાં ગત શનિવારે અહીં મુખ્ય શિક્ષક મધુભાઈ રાઠોડ દ્વારા એક સગીર વયની માસુમ બાળકી સાથે જાતિય સતામણી કરી હતી. જે બાબતની જાણ બાળકીએ માતાને કરતા માતા શાળામાં દોડી આવ્યા હતા અને શાળામાં પૂછપરછ હાથ ધરી હતી. માતાએ મુખ્ય શિક્ષક વિરુદ્ધ સાપુતારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.