ડાંગમાં જિલ્લા કક્ષાનો પી.એમ. કિસાન દિવસની ઉજવણી કરાઈ:

લોકહિત ગુજરાત ન્યુઝ :
ડાંગ જિલ્લાના ૩૪,૨૭૦ ખેડૂતોના બેંક ખાતામાં કિસાન સમ્માન નિધિ યોજનાના ૨૦મા હપ્તાની રકમ પેટે કુલ રૂ. ૦૬,૮૫,૪૦,૦૦૦ જમા થયા
ડાંગની ખેત પેદાશને મૂલ્યવર્ધિત કરી દેશ અને રાજ્યના ખૂણે ખૂણે સુધી પહોંચાડાશે સાથે જ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ: મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ
મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી
ડાંગ :રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ડાંગમાં જિલ્લા કક્ષાના પી.એમ.કિસાન ઉત્સવ દિવસની ઉજવણી વઘઇના કૃષિ મહાવિદ્યાલયના ઓડિટોરિયમ હોલમાં થઈ હતી.
આ કાર્યક્રમમાં પી.એમ. કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ડાંગ જિલ્લાના ૩૪ હજાર ૨૭૦ ખેડૂતના બેંક ખાતામાં ૨૦ મા હપ્તાની રકમ પેટે કુલ રૂ. ૦૬ કરોડ ૮૫ લાખ ૪૦ હજાર જમા થયા હતા.
આ પ્રસંગે રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, ખેડૂતોને સધ્ધર કરવાનું કામ આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યું છે. પહેલા બેંકમાં ખાતું ખોલાવવા માટે લોકોએ ધક્કા ખાવા પડતા હતા. પરંતુ વડાપ્રધાનશ્રીએ જનધન યોજના શરૂ કરાવી લોકોના બેંક ખાતા ખોલાવ્યા છે. હવે સરકાર દ્વારા આપવામાં આવતી સહાયની રકમ સીધી લાભાર્થીના ખાતામાં જમા થાય છે. પહેલાના વડાપ્રધાનશ્રી એવું કહેતા કે, દિલ્હીથી એક રૂપિયો મોકલે તો લાભાર્થીને માત્ર પંદર પૈસા મળે છે. પરંતુ દીર્ઘદ્રષ્ટિ ધરાવતા આપણા વડાપ્રધાનશ્રીએ જનધન યોજના શરૂ કરાવતા હવે વચેટીયા નાબૂદ થઈ ગયા છે. હવે દિલ્હીથી મોકલાતો એકેએક રૂપિયો સીધો લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે. પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ વર્ષમાં ૬ હજાર રૂપિયા ડીબીટી મારફતે જમા થઈ જાય છે. જેનાથી એક નાનો ખેડૂત બિયારણ, ખાતર સહિત સાધન સામગ્રી ખરીદી શકે છે. આજે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી પ્રસંગે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ૨૦ મો હપ્તો જમા થવા જઈ રહ્યો છે. જે અંતર્ગત દેશભરમાં ૯.૭૦ કરોડ ખેડૂતોના બેંક ખાતામાં રૂ. ૨૦,૫૦૦ કરોડ, ગુજરાતમાં ૫૨.૧૬ લાખ ખેડૂતોના ખાતામાં રૂ. ૧,૧૧૮ કરોડ, અને ડાંગ જિલ્લાના ૩૪,૨૭૦ ખેડૂતોના ખાતામાં રૂ.૦૬,૮૫,૪૦,૦૦૦ની સહાય રકમ જમા થઈ છે.
વડાપ્રધાનશ્રીએ ખેડૂતોની હંમેશા ચિંતા કરી પોતાનો હાથ ખેડૂતો તરફ લંબાવી આર્થિક રીતે પગભર કર્યા છે. પહેલા ટ્રેક્ટરની ખરીદી માટે ૪૫ થી ૬૦ હજાર રૂપિયાની સબસીડી મળતી હતી. હવે રૂપિયા એક લાખની સબસીડી આપવાનો નિર્ણય સરકારે કર્યો છે. પહેલા પમ્પથી દવાનો છંટકાવ કરતા હતા. હવે ડ્રોનથી છંટકાવ કરવું સરળ બન્યું છે. દીકરીઓને ડ્રોન તાલીમ પણ અપાઈ રહી છે.
વડાપ્રધાનશ્રી દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે કરાયેલા આહવાન અંગે મંત્રીશ્રીએ ગર્વ સાથે જણાવ્યું કે, ગુજરાતમાં સૌ પ્રથમ ડાંગ જિલ્લો પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર થયો છે. અહીં દરેક ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે છે. ડાંગના ખેડૂતો અભિનંદનને પાત્ર છે. ડાંગની ખેત પેદાશને ગ્લોબલ માર્કેટ મળે અને ડાંગનો ખેડૂત આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રયાસ થઈ રહ્યા છે. સુરતમાં એવા બોર્ડ જોવા મળે છે કે, ડાંગના ચોખા-નાગલી મળશે. આવી અનેક પ્રકારની ડાંગની ખેત પેદાશ સુરતના માર્કેટમાં વેચાઈ રહી છે. જેથી સુરતમાં ડાંગના ખેડૂતોને વેચાણ માટે પ્લેટફોર્મ મળે તે માટે પ્રયાસ ચાલી રહ્યા છે. ડાંગની ખેત પેદાશને મૂલ્યવર્ધિત કરી દેશ અને રાજ્યના ખૂણે ખૂણે સુધી પહોંચાડાશે. આ સાથે જ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. હાલ સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલમાં પણ પ્રાકૃતિક ખેત પેદાશની માંગ જોવા મળી રહી છે. આમ, ડાંગ જિલ્લો પ્રાકૃતિક સૌંદર્યની સાથે સાથે પ્રાકૃતિક ખેતીમાં અગ્રેસર બન્યો છે.
ડાંગ જિલ્લા ખેતીવાડી શાખા અને વઘઇ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંયુકત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં વારાણસી ખાતે અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયેલા કિસાન ઉત્સવ દિવસનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. કિસાન ઉત્સવ દિવસની ઉજવણી દરમિયાન મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી.
આ ઉજવણીમાં ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈન, વઘઇ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ચંદરભાઈ ગાવીત, જિલ્લા પંચાયતના ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિના અધ્યક્ષ શ્રી હરેશભાઇ પી.બચ્છાવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ.વસાવા, અધિક જિલ્લા કલેકટર શ્રી વી.કે.જોશી અને ડાંગ જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવીત સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાગત પ્રવચન જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી બાલુભાઈ પટેલે કર્યું હતું. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સીઆરસી કો-ઓર્ડિનેટર બિપિન જાદવ અને મનુભાઈ ચૌધરીએ કર્યું હતું.