ડાંગમાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને હથિયાર બંધી ફરમાવાઈ

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગમાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને હથિયાર બંધી ફરમાવાઈ
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા : લોકસભાની સામાન્ય ચૂંટણી, ર૦૨૪ની જાહેરાત થતાં જ તા.૧૬/૩/૨૦૨૪ થી આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે. ડાંગ જિલ્લામાં ૨૬-લોકસભા સંસદીય બેઠક માટેનું મતદાન તા.૭/૫/ર૦૨૪ ના રોજ યોજાનાર છે.
ચૂંટણી દરમિયાન હિંસક બનાવો ન બને, કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિને બગાડવાના કૃત્યો ન થાય, તેમજ મુકત અને ન્યાયી ચૂંટણી થાય તે માટે, તથા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકોની સલામતી રહે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તેવી કાર્યવાહી કરવા ઉપરાંત, હિંસક બનાવોમાં તેમજ કાયદો અને વ્યવસ્થાને બગાડતાં કૃત્યોમાં હથિયારોનો ઉપયોગ ન થાય તે માટે, ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન હથિયારોનો ઉપયોગ ગેરકાયદેસર રીતે થઇ ન શકે તે માટે સમગ્ર ડાંગ જિલ્લામાં હથિયારો સાથે હરવા ફરવા ઉપર ડાંગ જિલ્લા અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી.બી.ચૌઘરી દ્વારા એક જાહેરનામું પ્રસિધ્ધ કરવામા આવ્યું છે.
અધિક કલેક્ટરશ્રી દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ-૧૪૪ થી ઉપલબ્ધ જોગવાઈઓ અન્વયે નીચે મુજબ હુકમ કરવામા આવ્યા છે.
૧) સમગ્ર ડાંગ જિલ્લાના વિસ્તારમાં કોઈ પણ વ્યકિતએ શસ્ત્ર અધિનિયમ-૧૯પ૯ ની વ્યાખ્યામાં આવતું કોઈ પણ હથિયાર ધારણ કરવું નહીં, અથવા આવા હથિયાર સાથે હરવું ફરવું નહીં,
(૨) ડાંગ જિલ્લામાંથી કે બહારના જિલ્લામાંથી મેળવેલ પરવાના ઘારણ કરનાર વ્યક્તિઓએ, સમગ્ર ડાંગ જિલ્લાના વિસ્તારમાં વસવાટ કરતા હોય તો તેઓએ પણ હથિયાર/હથિયારો ઘારણ કરવા નહી. અથવા હથિયાર/હથિયારો સાથે જાહેરમાં હરવું ફરવું નહિ. તેમજ આ આદેશ ડાંગ જિલ્લામાં રહેતા અને ડાંગ જિલ્લાની મુલાકાતે આવેલા તમામ હથિયાર પરવાના ઘારકોને પણ લાગુ પડશે,
(૩) આર્મ્સ એકટ હેઠળ મંજુર કરવામાં આવેલ પરવાના વાળા દરેક પ્રકારના હથિયાર કે હથિયારો તાત્કાલીક અસરથી જે-તે પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે. સંબંધકર્તા પોલીસ સ્ટેશનોએ તથા પોલીસ હેડ ક્વાર્ટરે, સંબંધિત પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રહેતા હથિયાર પરવાનો ધરાવતા તમામ વ્યક્તિઓએ હથિયાર કે હથિયારો જમા કરાવવામાં આવે તે માટે પગલા લેવા, તેમજ તમામ હથિયારો જમા થઈ ગયા અંગેની જાણ કરવાની રહેશે,
(૪) જે હથિયાર પરવાનાઓની મુદત પૂર્ણ થઈ ગયેલ હોય, અને રીન્યુઅલ અર્થે કચેરીમાં રજૂ કરેલ હોય તેવા હથિયાર પરવાના હેઠળના હથિયારો પરવાનાની ઝેરોક્ષ નકલ, રીન્યુ અરજી રજૂ કર્યાની કચેરીની કોમ્પ્યુટરાઈઝડ પહોંચ, કે જેમાં સહીની જરૂર રહેતી નથી તેવી પહોંચ તથા રીન્યુ ફી ભર્યા અંગેના ચલણની નકલની ખરાઈ કરી જમા લેવાના રહેશે, અને તેવી જ રીતે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયે પરત સોંપવાના રહેશે.
આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ મુજબની શિક્ષાને પાત્ર ઠરશે.
આ જાહેરનામું તારીખ ૧૬/૩/૨૦૨૪ થી તારીખ ૧૪/૫/૨૦૨૪ના સમય ૨૪.૦૦ કલાક સુધી અમલમાં રહેશે.